જીવન બંધ મુઠ્ઠી જેવું છે જ નહીં. એ તો સરળ, સાવ સ્પષ્ટ અને ખુલ્લા હાથ જેવું છે. જેને આવકારવા તત્પર રહેવું પડે છે
કોઈનો જન્મદિવસ આવે એટલે તે વ્યક્તિને એક પ્રશ્ન જરૃર પૂછાય કે, કેટલા વરસના થયા ? એ વ્યક્તિએ તેની જિંદગીના પચીસ કે પચાસ વર્ષોનું ઊઠમણું તો કર્યું હશે, પણ ખરેખર જીવ્યો કેટલા વરસ તે એક સંશોધન થઈ પડે.
જીવનમાં ખાલી વરસો ઉમેરાતાં જાય તે એટલું મહત્ત્વનું નથી. એ તો કશું ના કરાય તો પણ કુદરતી રીતે અવિરત ચાલતી પ્રક્રિયા છે. મહત્ત્વનું તો એ હોય છે કે, એ દરેક ઉમેરાતા ને પાછળ ધકેલાતાં વર્ષોમાં જિંદગી કેટલી ધબકી હોય છે ! જીવંતતા કેટલા કિલોની હોય છે ?
અનેક જિજ્ઞાસુઓ જિંદગીભર જીવનનાં રહસ્યો શોધતાં જ રહે છે. જ્યાંથી મળે, જેની પાસે ને જેવા રૃપે મળે તેવો અર્થ મુઠ્ઠીમાં બાંધતાં જ રહે છે. આવા મુમુક્ષુઓ માટે ઓશો કહે છે કે, જીવન બંધ મુઠ્ઠી જેવું છે જ નહીં. એ તો સરળ, સાવ સ્પષ્ટ અને ખુલ્લા હાથ જેવું છે. જેને આવકારવા તત્પર રહેવું પડે છે.
મોટા ભાગના લોકોને આજે અનેક ફરિયાદો છે. જીવનથી સંતોષ નથી. કોઈને આર્થિક તો કોઈકને પારિવારિક. કોઈને ધર્મ પ્રત્યે તો કોઈને શારીરિક ખોડખામીને લઈને જીવન પ્રત્યે નફરત છે, ગુસ્સો છે. તે બહાર નીકળવા ધમપછાડા મારે છે. વલોપાત કરે છે, પણ ધાર્યું કંઈ થતું નથી ને જે છે તેને સ્વીકારીને ચાલવું નથી. આ એક એવી પ્રોસેસ છે જે તેમને શાંતિથી દૂર રાખે છે. તેમના પોતાનાથી દૂર રાખે છે, પણ જ્યારે જીવનની દશા ના બદલી શકાય તો દિશા બદલી નાખવાની શરૃઆત કરવી જોઈએ ને આ સમજાતા એટલું મોડું થઈ ગયું હોય છે કે પછી કશું તેમના હાથમાં રહેતું નથી.
એક શિષ્યએ ગુરુજીને પૂછયું કે, જીવનનો અર્થ સમજાવો. જીવનનું ખરું પ્રયોજન શું છે ? કેવી રીતે સંસારસાગર પાર કરવો ?
જવાબમાં ગુરુજીએ એ શિષ્યના પગ પાસે એક સાપ ફેંક્યો. અચાનક આવી પડેલી આપત્તિથી એ ગભરાયો. એકદમ ઊભો થઈને બરાડા પાડી નાસભાગ કરવા લાગ્યો, પણ સાપે પીછો ના છોડયો. ત્યાં બીજા એક શિષ્યના પગ પાસે તે પહોંચતાં તેણે તેને ચાલાકીથી દબાવ્યો. હળવેથી ઊંચક્યો અને સાવધાનીપૂર્વક તેના કરંડિયામાં મૂકી દીધો.
ગુરુજી મંદ મંદ હસતા રહ્યા. એ જોઈ પહેલાં તો પેલો શિષ્ય અકળાયો, પણ પછી સમજી ગયો હોય એમ બે હાથ જોડીને બોલી પડયો, “સમજાઈ ગયું. પ્રભો... મને જીવનનું રહસ્ય-પ્રયોજન ક્ષણમાં જ સમજાઈ ગયું. અહીં દરેકને સરખા જ હેતુથી જીવન મળે છે. સુખ-સંઘર્ષ, દુઃખ-આનંદ, શાંતિ વગેરે પણ દરેકને સરખા ભાગે જ મળે છે, પણ આવી પડેલ સંજોગોનો કોણ કયા શસ્ત્રથી સામનો કરે છે, કેવી સૂઝબૂઝથી બહાર નીકળીને આગળ વધતા રહે છે જિંદગી તેની જ પીઠ થાબડે છે.”
ગુરુજીએ કહ્યું, “તારે હજુ પણ જીવનના બીજા અર્થો જાણવા હોય તો જા કુદરતના સાંનિધ્યમાં. પ્રત્યેક ફૂલ શીખવે છે કે ઊગવું- ખીલવું- મહેકવું ને સમય થયે કેમ કરમાઈ જવું. સૂર્યના પ્રત્યેક કિરણો સમજાવશે કે કેમ ઊગવું, પ્રકાશવું, ને પછી ગૌરવભેર આથમી જવું... સમુદ્રનું પ્રત્યેક નાનું-મોટું મોજું કેવી રીતે એકબીજામાં ભળીને એકમેકમાં અસ્તિત્વને ઓગાળીને પણ પોતાનું કાર્ય ધપાવે જાય છે તે જઈને જો. એમ જ માણસ માત્ર પણ જન્મે છે- બને તેટલી સરસ રીતે જીવી જાણે અને અંતે અનંતમાં ભળી જતા તે જ તેના જીવનનો હેતુ હોઈ શકે છે. મરતાં પહેલાં સમયસર જીવતાં શીખી જવાનું હોય છે. આજ છે એ રહસ્ય, એક અમેરિકન લેખક આઈઝેક અસિમોવે સરસ વાત કરી છે. તેઓ કહે છે કે, ‘લાઇફ ઇઝ પ્લેઝન્ટ. ડેથ ઇઝ પીસફૂલ. ઇટ ઇઝ ધ ટ્રાન્ઝિશન ધેટ ઇઝ ટ્રબલ સમ.’
જીવન મળતાં સાથે જ તેમાં હર્ષ-શોક, સમસ્યાઓ અનેક જાતની હાડમારીઓ, સારો-ખરાબ સમય એમ બધું જ જોડાઈ જતું હોય છે. જે અનિવાર્ય પણ છે, કેમ કે જીવનને નજીકથી જાણવા ને સમજવા માટે તેનું હોવું જરૃરી બને છે. જેમના જીવનમાં કોઈ જ ઉત્તેજના નથી, બધું જ સહજ, સગવડદાયક અને આરામથી પ્રાપ્ત થઈ જાય તેવું હશે તેઓ કદાચ ક્યારેય જિંદગીનો ખરો અર્થ નહીં સમજી શકે.
એવા મોટા ભાગના લોકો એ સમજવામાં નિષ્ફળ જાય છે અને અર્થહીન-રસહીન અને હેતુવિહીન વર્ષો પસાર કરી ઘરડા થઈ અંતે મરી જાય છે. ‘ધે ગ્રો ઓલ્ડ એન્ડ જસ્ટ ડાય.’
હકીકતમાં જિંદગી જાતે તેનો કોઈ અર્થ લઈને નથી આવતી, પણ દરેકે પોતાના જીવનનો અર્થ અને લક્ષ્ય જાતે જ શોધવાના રહે છે અને એ જડી જાય પછી બીજા કશાનો મોહ તેમને ભાગ્યે જ રહે છે. જીવનની આખી ફિલસૂફી જ બદલાઈ જાય છે.
માણસ પોતાની જ મુઠ્ઠીઓમાં કેદ હોય છે. ક્યારેક તે અહંકારની મુઠ્ઠી હોય છે તો ક્યારેક સ્વાર્થની. ક્યારેક ગેરસમજની, તો ક્યારેક પૂર્વગ્રહોની. એવી પ્રત્યેક બંધ મુઠ્ઠીઓ ખૂલતી જાય ને તે પોતાની જાતને મુક્ત કરી શકે તે જ ક્ષણથી તેનું સાચું જીવન શરૃ થઈ જતું હોય છે.
જીવન ક્ષણોનું બનેલું છે. પ્રત્યેક મરતી ક્ષણ ભૂતકાળમાં ગરક થતી જાય છે ને તરત ભાવિની ચિંતા કોરવા માંડે છે, પણ વર્તમાનમાં જે પળો જીવવા મળે છે તેને વેડફી નાખવામાં આપણે સૌ મહાન છીએ. હાથમાંની એ વર્તમાન પળોમાં જ જિંદગીની તલાશ કરવાની છે. જે નથી મળ્યું કે નસીબમાં નથી તેવા હજાર કારણો આગળ ધરી લોકો રડતાં રહે છે ને જીવનને કોસતાં રહે છે, પણ સામે જે લાખો કારણો હસવાના ને ખુશ રહેવાના મળે છે કે મળ્યાં છે તે તો બતાવો ! તેનો ગમતાનો ગુલાલ કરીને જિંદગી પર ગર્વ કરો ને ! એવા જ કારણોથી જીવવાનું બળ મળતું હોય છે. જેની સામે પેલી દુઃખની ડાયરી ન્યોચ્છાવર કરી દેવાની હોય છે.
એક વાત સાફ છે કે, જીવનની મધુરતાને માણવી હોય તો ભૂતકાળને ભૂલવાની તાકાત હોવી જોઈએ.
આજનો માણસ જીવનની શોધમાં મશીનિયો થઈને સતત દોડતો રહે છે. એ પૈસા પાછળ, ધંધા-નોકરી ને છોકરી પાછળ દોડે છે. આરામ-સુખનાં સાધનો ને મોજ-મજા પાછળ પણ નર્યું દોડે છે, પણ એ બધામાં જીવન માટે બે ઘડી વિસામવાનું તેને યાદ નથી આવતું કાં ટાઈમ મળતો નથી. તે એટલું દોડે છે કે, તેની પાસે થાકવાનો પણ ટાઈમ નથી. છતાં તે ક્યારેય જાણી શકતો નથી કે જીવનમાં આ બધાં, આટલાં બધાં ઢસરડાં શા માટે ? કોના માટે ?
ઘણા લોકો જીવનને નજીકથી જાણવા તપ-ધ્યાન- સાધના આદરે છે. ઠીક છે તેમને સંતોષ મળતો, પણ દશેને ત્યાગ-વૈરાગ્યથી તેમના સવાલોનો જવાબ જડતો પણ હશે, પણ સામાન્ય લોકોનું શું. રોજબરોજના વિટંબણાભર્યા જીવનમાં જિંદગીને ક્યાં ગોતવા જવી ભઈ ! સવારથી સાંજ અહીં-તહીં હડસેલાયા કરવામાં જ તેમનો ટાઈમ ફિનિશ... ! નથી તેમને જીવન મળતું, નથી તેનો અર્થ ! જીવનનો અર્થ શોધવા ગુફાઓમાં કે પર્વતની ટોચે પણ નથી જવાનું હોતું. એ એકાંતમાં કે સંસારથી અલિપ્ત રહીને પણ ભાગ્યે જ મળતો હોય છે.
બલકે સંસારમાં સૌની વચ્ચે રહી, સૌના સુખ-દુઃખમાં સામેલ થઈ અને સ્વયંને ઓળખતા રહેવાનો એક અલગ આનંદ હોય છે. બસ, એક વાર પેલું અહંનું કેન્દ્રિબંદુ તોડાય, થોડાક જીવંત બનાય, સંવેદનાઓને જગાડાય તો એવી અનેક તકો મળતી જશે. આ ઘસાઈને ઊજળા થવાની વાત છે. બીજા માટે પણ થોડું થોડું જીવવાના નિઃસ્વાર્થ કાર્યની વાત છે.
ઘણા લોકો મદદનો હાથ લંબાવીને આશા-અપેક્ષા રાખી બેઠાં હોય છે. તેને પૂરી સહૃદયતાથી ઝાલી લેવાય, પડેલાને બેઠા કરાય તો તેમાં સંતોષ મળે છે. કોઈ રડતાના આંસુ લૂછી થીજી ગયેલું હાસ્ય મુક્ત કરવામાં મદદ કરાય તેમાં ખુશી સમાયેલી છે ખુદની. અનેક માંદગીના બિછાને પડેલા અસહાય લોકો અપંગ, ગરીબ, અનાથ લોકો થોડી મદદની, થોડી સાંત્વનાની ને બે મીઠાં બોલની નાગી, ભૂખી અપેક્ષામાં હોય છે. તેમના જીવનમાં આપણું જીવન અને સંવેદનાઓ ભેળવી લેવાય તો પણ જીવન તેના અનેક અર્થો લઈને હાજર થઈ જાય છે. ડૂબતાં લોકોને બચાવવા માટે જેને બહાદુરી એવોર્ડ મળેલો તેવા એક યુવકે પૂરા સંતોષથી કહેલું કે, એ દિવસે જીવનને મેં એક જુદા જ રૃપે સાવ નજીકથી જોઈ લીધું. મારી જિંદગીનો એક તદ્દન નવો, મનગમતો અર્થ મને તે જ દિવસે મળી ગયો છે.
કવિ હેમેન શાહ આવી સાર્થક જિંદગી માટે લખે છે કે,
“જીવન સમજવું હોય તો ક્ષણનો ખ્યાલ કર,
ટીપાંની વાત એ જ સમંદરની વાત છે.”
સ્પાર્ક : જીવતાં નથી આવડતું તેઓ પળેપળ બસ મરતાં રહે છે.
No comments:
Post a Comment